આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ટૂંકા સમયમાં પડેલા વરસાદી ઝાપટાંના કારણે ઉમરેઠ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાઓ સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા અને માર્ગો પર પાણી વહેતા થયા હતા.
અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી નાગરિકોને રાહત
છેલ્લા કેટલાક સમયથી ઉમરેઠ અને સમગ્ર આણંદ પંથકમાં આકરો તડકો, ગરમી અને ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો, જેનાથી સ્થાનિક લોકો ભારે ત્રસ્ત થઈ ગયા હતા. જોકે, અચાનક મેઘરાજાની પધરામણી થતાં આકાશમાંથી વરસેલી અમૃતધારાથી સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ભારે બફારા બાદ વરસાદ પડતાં જ સ્થાનિક નાગરિકોએ મોટી રાહત અનુભવી છે.
