સોજીત્રા તાલુકામાં આવેલા દેવા તળપદ વિસ્તારમાં ઘર સંસારના કલેશ અને સાસરિયાઓના અસહ્ય ત્રાસના કારણે વધુ એક પરિણીતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતક પરિણીતા મીનાના લગ્ન માત્ર બે વર્ષ પૂર્વે સોજીત્રાના દેવા તળપદ ખાતે રહેતા અલ્પેશ મનુભાઈ ગોહેલ સાથે સામાજિક રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનની શરૂઆતમાં બધું બરાબર ચાલ્યા બાદ, થોડા જ સમયમાં સાસરિયાઓ દ્વારા મીનાને નાની-નાની બાબતોમાં ટાર્ગેટ કરવાનું શરૂ કરાયું હતું.
સોજીત્રામાં સાસરિયાના ત્રાસે લીધો પરિણીતાનો જીવ
મૃતકના પિયર પક્ષના આક્ષેપો અને પોલીસ ફરિયાદ અનુસાર, મીનાને તેના સાસરી પક્ષના સભ્યો દ્વારા વારંવાર કોઈને કોઈ બહાને શારીરિક-માનસિક દુઃખ તકલીફ આપવામાં આવતી હતી. પતિ અલ્પેશ ગોહેલ, સસરા મનુભાઈ ગોતાભાઈ ગોહેલ અને સાસુ રમીલાબેન મનુભાઈ ગોહેલ દ્વારા અવારનવાર થતા કૌટુંબિક ઝઘડા અને માનસિક ત્રાસથી મીના સતત તણાવમાં રહેતી હતી.
અંતે પરિણીતાની ધીરજ ખૂટી
ગત રોજ સાસરિયાઓના સતત વધી ગયેલા ત્રાસ અને અસહ્ય મહેણાં-ટોણાથી કંટાળીને મીનાબેને આત્યંતિક પગલું ભરવાનું નક્કી કરી લીધું હતું. તેમણે ઘરની અંદર કોઈ ન હતું ત્યારે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોએ જ્યારે મીનાને લટકતી હાલતમાં જોઈ ત્યારે કચેરી અને આસપાસના લોકોને જાણ કરી હતી, પરંતુ હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેમનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.
પોલીસે સાસરિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી લીધો
ઘટનાની જાણ થતાં જ સોજીત્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના પિયરિયાઓના નિવેદનો અને સત્તાવાર ફરિયાદના આધારે સોજીત્રા પોલીસે પરિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા બદલ (દુષ્પ્રેરણા) ત્રણેય સાસરિયાઓ અલ્પેશ ગોહેલ, મનુભાઈ ગોહેલ અને રમીલાબેન ગોહેલ વિરૂદ્ધ ગુનો નોંધી લીધો છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે અને આત્મહત્યા પાછળ અન્ય કોઈ તાત્કાલિક કારણ હતું કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: Karjan: APMC પ્રમુખ પદની હાઈ-વોલ્ટેજ ચૂંટણી છેલ્લી ઘડીએ સત્તાવાર રીતે મોકૂફ, આગામી દિવસોમાં નવી તારીખ જાહેર થશે