આણંદ રેલ્વે સ્ટેશન નજીક એક મોટી અને ચિંતાજનક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડીના બે ડબ્બા અચાનક ટ્રેક પરથી નીચે ઉતરી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આણંદ નજીક આવેલા ભાલેજ ઓવરબ્રિજ પાસે બની હતી. માલગાડી ચાલુ ટ્રેને પાટા પરથી નીચે ઉતરી જતાં અચાનક મોટો અવાજ થયો હતો, જેના કારણે રેલ્વે તંત્ર અને આસપાસના વિસ્તારમાં ભારે સળવળાટ મચી ગયો હતો.

રેલ્વે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા

ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ખસી જવાની જાણ થતાં જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળાં પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે ટ્રાફિકને અસર ન પહોંચે તે માટે અધિકારીઓ દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

ટ્રેક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરાઈ

બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને રેલ્વેના ઇજનેરો અને કર્મચારીઓએ પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાને હટાવવા માટે કામગીરી હાથ ધરી છે. ટ્રેકને પુનઃ કાર્યરત કરવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે ક્રેન સહિતની ભારે મશીનરીની મદદ લેવામાં આવી રહી છે. સદનસીબે આ માલગાડી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી રેલ્વે તંત્રે મોટો રાહતનો શ્વાસ લીધો છે. માલગાડી પાટા પરથી ઉતરવાના કારણો જાણવા રેલ્વે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો