આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા ધુલેટા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધુલેટા ગામ પાસેથી પસાર થતી મહી કેનાલ નજીક આવેલા એક ઝાડ પર આધેડ વયના યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. કેનાલ નજીકથી પસાર થતાં સ્થાનિક ગ્રામજનોની નજર લટકતા મૃતદેહ પર પડતાં જ સમગ્ર ગામમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઈ હતી.

સ્થાનિકોની મદદથી પોલીસે હાથ ધરી કાર્યવાહી

ઘટના અંગેની જાણ થતાં જ ઉમરેઠ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને કબ્જે લીધો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક કાનૂની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ઉમરેઠ સરકારી દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.

પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ હાથ ધરી 

આધેડે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું કે પછી ઘટના પાછળ અન્ય કોઈ કારણ છે તે અંગે ઉમરેઠ પોલીસે એક્સિડેન્ટલ ડેથ (A.D.) નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારજનોની પૂછપરછ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવવાની શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો