આણંદ જિલ્લામાં રાજ્ય સરકારના કડક દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિરસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રણોલી પાસે જેટકો (GETCO) ઓફિસ નજીક ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર સ્થાનિક ગ્રામજનોએ એકત્ર થઈને 'જનતા રેડ' પાડી હતી. લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતી મળતાં જ રોષે ભરાયેલા ગ્રામજનોએ દરોડો પાડ્યો હતો. અચાનક જનતા રેડ થતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને બુટલેગરો વિદેશી દારૂનો કિંમતી જથ્થો મૂકીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.

સ્થળ પરથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો 

જનતા રેડ દરમિયાન અડ્ડા પરથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતાં જ સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB) ની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોમાં એ વાતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે દારૂ ક્યાં અને કેવી રીતે વેચાય છે તેની જાણ સામાન્ય નાગરિકોને હોય, તો પછી સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચ આ અડ્ડાઓથી અજાણ કેમ રહે છે? શું આણંદ જિલ્લામાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે કે પછી બુટલેગરોને ખાખી વર્ધીનું પીઠબળ મળી રહ્યું છે તેવા તીખા પ્રહારો થઈ રહ્યા છે.

મહિના પહેલાં ઝડપાઈ હતી નકલી દારૂની ફેક્ટરી

ઉલ્લેખનીય છે કે, માત્ર એક મહિના પહેલાં જ આ જ વિરસદ પોલીસ સ્ટેશનની હદમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે. નકલી દારૂનો મોટો પર્દાફાશ થયા બાદ પણ સ્થાનિક પોલીસે કોઈ બોધપાઠ ન લીધો હોય તેમ ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલુ રહેતાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતા છતી થઈ છે. જનતા રેડની આ ઘટનાએ આણંદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણની વાસ્તવિક પોલ ખોલી નાખી છે અને હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે કેવાં પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો