ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે કીમ નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક કીમ નદીના પૂરોના પાણી અંકલેશ્વર-હાંસોટ-સુરતને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા છે. રોડ પર પાણીનો પ્રવાહ ઝડપી હોવાના કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે આ વ્યસ્ત સ્ટેટ હાઇવેને વાહનવ્યવહાર અર્થે બંધ કરવાની ફરજ પડી છે.
સતત બીજા દિવસે વાહનવ્યવહાર બંધ
આ મહત્ત્વપૂર્ણ સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે પણ બંધ રહેતાં અંકલેશ્વર, હાંસોટ અને સુરત તરફ આવતા-જતા હજારો વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે બંધ થવાને કારણે વાહનચાલકોને લાંબા વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે. ખાસ કરીને રોજિંદા નોકરિયાતો અને માલસામાનની હેરફેર કરતા કોમર્શિયલ વાહનોની અવરજવર પર માઠો પ્રભાવ પડ્યો છે.
