ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દારૂના ગેરકાયદે સપ્લાય નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. SMC ની ટીમે ખાલપીયા ગામની સીમમાંથી મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂ (IMFL) નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે હાથ ધરાયેલી આ સફળ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફાળચો વ્યાપી ગયો છે.
દારૂ-બિયરની 958 પેટીઓનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દરોડા દરમિયાન દારૂ અને બિયરની આશરે 958 પેટીઓ તેમજ કુલ 23,460 બોટલો કબ્જે કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 1,43,84,200 અંદાજવામાં આવી છે. દારૂના જથ્થા સાથે હેરફેર માટે વપરાયેલું વાહન અને બે મોબાઈલ ફોન મળીને પોલીસે કુલ રૂ. 1,74,09,200 નો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે અનવરશા મહમંદ હનિફ બેલગાવકર નામના આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે.

