ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલા નોબલ માર્કેટ વિસ્તારમાં સ્થિત એક સ્ક્રેપ (ભંગાર) ના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં જ્વલનશીલ અને પ્લાસ્ટિકનો ભંગાર મોટી માત્રામાં પડ્યો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ગગનચુંબી ઊંચાઈ સુધી અને દૂર દૂર સુધી નજરે પડતા હતા.

રીગલ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું
આગની તીવ્રતા અને બિનઅધિકૃત ભયને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાના પગલાં ભરવામાં આવ્યા હતા. ગોડાઉનની નજીકમાં જ આવેલા ‘રીગલ એપાર્ટમેન્ટ’ ના તમામ રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડી આખું એપાર્ટમેન્ટ ખાલી કરાવી લેવામાં આવ્યું હતું. ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર નોટિફાઈડ અને ડીપીએમસી (DPMC) ની 4 થી વધુ ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી સતત પ્રયાસો હાથ ધર્યા હતા.

મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર
બનાવની ગંભીરતાને પગલે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. વહીવટી અધિકારીઓએ સ્થાનિક રેસ્ક્યુ કામગીરી અને ફાયર ફાઈટિંગનું સીધું સુપરવિઝન હાથ ધર્યું હતું. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલુ કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો