અરવલ્લી જિલ્લાના ધનસુરા-માલપુર હાઇવે પર આવેલા ધામણીયા સ્ટેન્ડ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને ટ્રક વચ્ચે પ્રચંડ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ વાન ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વધુ સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત

અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે ધામણીયા સ્ટેન્ડ નજીક લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને ઈજાગ્રસ્તો નાના ગુજેરી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

અકસ્માતમાં બે વ્યક્તિઓને પહોંચી ગંભીર ઇજાઓ 

બનાવની જાણ થતાં જ ધનસુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઇડ પર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે ધનસુરા પોલીસે અકસ્માતે ઈજા અંગેનો ગુનો નોંધીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાનૂની તપાસ શરુ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો