અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલા વડગામ ખાતે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડગામના કોલસા વાળી ફળી વિસ્તારમાં આવેલા ખેતરમાં થ્રેસર મશીન વડે મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ખેતરમાં મજૂરીકામ કરી રહેલાં હિરલબેન મકવાણા નામના પરિણીતા માથા પર મગફળીનું તગારું લઈને થ્રેસરમાં નાખવા ગયા હતા. તે સમયે કમનસીબે તેમની સાડીનો છેડો ચાલુ થ્રેસરના ઝડપથી ફરતા જોઈન્ટમાં અચાનક ફસાઈ ગયો હતો.
કમનસીબ હિરલ મકવાણાનું સ્થળ પર જ નીપજ્યું મોત
થ્રેસરના જોઈન્ટમાં સાડીનો છેડો આવી જતાં હિરલબેન મશીનની ઝપેટમાં આવી ગયા હતા અને ઘાતક ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ક્ષણભરમાં જ બનેલી આ ભયાનક દુર્ઘટનાને પગલે ખેતરમાં કામ કરી રહેલા અન્ય મજૂરો અને પરિવારજનોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. તહેવારોના દિવસોમાં જ પરિવારની છત્રછાયા સમાન મહિલાનું અકાળે અવસાન થતાં પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
