અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો, તેવામાં આજે બપોર બાદ જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકામાં અચાનક વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
સુકાતા પાકોને મળ્યું નવું જીવતદાન
અરવલ્લી પંથકમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, આ સમયે જ મેઘરાજાએ મહેરબાની કરતાં મગફળી, સોયાબીન, મકાઈ સહિતના ઊભા પાકોને સંજીવની સમાન પાણી મળી ગયું છે. સુકાવાની આરે પહોંચેલા ખેતરોના પાકને નવું જીવતદાન મળતાં ખેડૂત આલમમાં ભારે આનંદ અને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.

