અરવલ્લીના મેઘરજમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેઘરજના ભેમાપુર (પાંટા) ગામે ખેતરની ફરતે ગેરકાયદેસર રીતે ગોઠવવામાં આવેલો વીજ કરંટ વૃદ્ધા માટે કાળ સાબિત થયો છે. ગામમાં રહેતી 62 વર્ષીય વૃદ્ધા પોતાના બકરા ચરાવવા માટે સીમ તરફ ગઈ હતી. આ દરમિયાન ખેડૂતે પોતાના ખેતરની ફરતે લોખંડના તાર બાંધી તેમાં ગેરકાયદેસર રીતે જીવંત વીજ કરંટ છોડ્યો હતો. બકરા ચરાવતી વખતે આ વૃદ્ધાનો પગ અથવા શરીર અજાણતામાં આ તારને અડી જતાં તેમને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પુરાવા છુપાવવા માટે મૃતદેહ પાકમાં સંતાડ્યાનો આક્ષેપ

આ ગંભીર દુર્ઘટના બાદ ગુનાના પુરાવા નાશ કરવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોના આક્ષેપ અનુસાર, વૃદ્ધાને કરંટ લાગ્યાની જાણ થતાં જ પકડાઈ જવાના ડરથી આરોપી ખેડૂતે મૃતદેહને ત્યાંથી ઢસડીને ખેતરના ઊભા પાકની અંદર છુપાવી દીધો હતો. આ કૃત્ય પાછળનો મુખ્ય ઈરાદો પોલીસ અને પરિવારથી આ અકસ્માત છુપાવવાનો અને પુરાવાનો નાશ કરવાનો હતો. જો કે, વૃદ્ધા મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી, જેમાં આ સમગ્ર ભયાનક કાંડ પ્રકાશમાં આવ્યો હતો.

મેઘરજ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

ઘટનાને પગલે ભેમાપુર ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે મેઘરજ પોલીસ મથકે તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પરિવારે ન્યાયની માંગ સાથે કડક પગલાં લેવાની માંગ કરી છે. મેઘરજ પોલીસે ગેરકાયદેસર રીતે વીજ કરંટ છોડવા અને પુરાવા છુપાવવાના ગંભીર આક્ષેપો સંદર્ભે આરોપી ખેડૂત સામે ગુનો નોંધીને તેની અટકાયત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો