અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને વાહન ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પોલીસે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા માટે બાઈકોની ચોરી કરતા હતા અને ત્યારબાદ તેને સસ્તા ભાવે વેચી મારતા હતા. પોલીસે આ મામલે સપાટો બોલાવીને અલગ-અલગ જગ્યાએથી કુલ 9 ચોરીની બાઈકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ પાસેથી બાઈકો રિકવર કરાયા
વાહન ચોરીના આ આખા નેટવર્કને તોડવા માટે પોલીસે બે અલગ-અલગ દરોડા પાડ્યા હતા. જેમાં ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે એક સગીર વયના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની 3 મોટરસાયકલ કબ્જે કરી હતી. જ્યારે આ કેસના અન્ય એક મહત્વના કડી સમાન આરોપીને રાજસ્થાનના સીમાલવડાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ રાજસ્થાની આરોપી પાસેથી પોલીસે તપાસ દરમિયાન ચોરીની અન્ય 6 બાઈકો રિકવર કરી છે.
