અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. મોડાસામાં આવેલી જાણીતી ‘પ્રાર્થના સૈનિક સ્કૂલ’માં ધોરણ-8માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને શાળા પ્રશાસન દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં લેવાયેલી મોક ટેસ્ટનું પેપર આ વિદ્યાર્થીએ લીક (વાઈરલ) કર્યું હોવાની આશંકા રાખીને તેને ઓફિસમાં બોલાવી અમાનુષી ત્રાસ આપવામાં આવ્યો હતો.

દંડાથી ફટકારાતા વિદ્યાર્થી હોસ્પિટલ ભેગો

આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે શાળાના સત્તાધીશો દ્વારા માસૂમ વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઈપ અને લાકડાના દંડા વડે બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો હતો. મારને કારણે વિદ્યાર્થીની હાલત અત્યંત લથડી જતાં તેને તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાળકની પીઠ અને શરીર પર મારના ગંભીર નિશાનો જોઈને તેના પરિજનો અને વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં વાલીઓ અને સગા-સંબંધીઓ મોડાસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા દોડી ગયા છે.

ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હરેશ પટેલનો દાવો

બીજી તરફ, આ સમગ્ર વિવાદ અને ઢોર માર મારવાના આક્ષેપો અંગે શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હરેશ પટેલે પોતાનો બચાવ કરતા એક ચોંકાવનારો દાવો કર્યો છે. પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, સબંધિત વિદ્યાર્થીએ શાળાના કાર્યાલયમાંથી બે મોક ટેસ્ટના ઓરિજિનલ પેપરોની ચોરી કરી હતી અને ત્યારબાદ તેને અન્યત્ર લીક કર્યા હતા. જોકે, શિક્ષણના ધામમાં વિદ્યાર્થીએ ભૂલ કરી હોય તો પણ કાયદો હાથમાં લઈને આ પ્રકારે પાઈપ અને દંડાથી લોહીલુહાણ કરવાના કૃત્ય સામે લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે. પોલીસ આ મામલે કાયદેસરની ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો