અરવલ્લી જિલ્લામાં નશાના નેટવર્ક અને પોલીસ વચ્ચે ખુલ્લો જંગ છેડાઈ ગયો છે. જિલ્લામાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં સામસામે ફાયરિંગની બીજી ઘટના સામે આવતાં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી છે. માલપુર તાલુકાના મોરડુંગરી નજીક પોશડોડાની હેરાફેરી કરતી શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કરતાં તસ્કરોએ સીધું પોલીસ પર ફાયરિંગ કરી દીધું હતું. જોકે, અરવલ્લી LCB ટીમે સાહસપૂર્વક વળતો પ્રહાર કરી ઘેરાબંધી કરી હતી.
તસ્કરોએ સીધું પોલીસ પર ફાયરિંગ કરી દીધું
https://x.com/sandeshnews/status/2105899998739411149/video/1
મોરડુંગરી નજીક ફિલ્મી દ્રશ્યો, સામસામે 5 રાઉન્ડ ગોળીબાર
NDPS ગુનાઓ સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશ વચ્ચે LCB ટીમે ફોર્ચ્યુનર કારને કોર્ડન કરી હતી. આ દરમિયાન બુટલેગરોએ બચવા માટે પોલીસ ટીમ પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જીવના જોખમ વચ્ચે LCB ટીમે આત્મરક્ષણ માટે તાબડતોબ ત્રણ રાઉન્ડ જવાબી ફાયરિંગ કર્યું હતું. પોલીસની ગોળી એક આરોપીના પગમાં વાગતાં તે સ્થળ પર જ પકડાઈ ગયો હતો.આ ભીષણ અથડામણમાં LCB PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી તેમજ ASI કલ્પેશસિંહને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે આરોપી પાસેથી એક અને કારમાંથી બીજી મળી કુલ 2 ઘાતક માઉઝર પિસ્તોલ કબજે કરી છે.
ફરી બિશ્નોઈ ગેંગનું કનેક્શન ખૂલ્યું
ફાયરિંગની ગંભીર ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા (SP) મનોહરસિંહ જાડેજા તરત જ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને બહાદુરીપૂર્વક કામગીરી કરનાર ઘાયલ PI, PSI સહિતના પોલીસ કર્મીઓ સાથે મુલાકાત કરી તેમની તબિયત જાણી હતી.પ્રાથમિક તપાસમાં ફરી એકવાર કુખ્યાત બિશ્નોઈ ગેંગનું કનેક્શન સામે આવ્યું છે. ગત 22 સપ્ટેમ્બરે પણ સ્કોર્પિયો કાર પર આ જ રીતે ફાયરિંગ થયું હતું. નશાના સોદાગરો હવે અંતરિયાળ રૂટ બદલીને પોશડોડા ઘુસાડવાની પેરવીમાં છે, પરંતુ અરવલ્લી પોલીસે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ડ્રગ્સની હેરાફેરી કરનારા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં નહીં આવે.
આ પણ વાંચો: Rajkot: માર્ક્સની લાલચ અને નાપાસની ધમકી; 14 વર્ષીય સગીરા પર નરાધમ શિક્ષક મોહિત ટાંકનો અત્યાચાર