અરવલ્લી જિલ્લામાંથી વહીવટી તંત્રને હચમચાવી નાખે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અને આયોજનની જવાબદારી સંભાળતા જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વિવિધ સરકારી યોજનાઓની વિવેકાધીન ગ્રાન્ટ સમયસર ન વપરાતા અને વણવપરાયેલી પડી રહેતા આ મામલો હવે ઉચ્ચ સ્તરીય તપાસ સુધી પહોંચ્યો છે.

કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા તકેદારી તપાસના આદેશ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સામે તકેદારી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ વહીવટી પ્રક્રિયામાં ક્ષતિઓ અને બેદરકારી જણાતા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

ખર્ચ અને ગ્રાન્ટના ઉપયોગની થશે ઝીણવટભરી ચકાસણી

આ તકેદારી તપાસ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કેમ ન થયો, થયેલા ખર્ચની પ્રક્રિયા અને વહીવટી કામગીરીની સઘન ચકાસણી કરવામાં આવશે. તપાસનો અહેવાલ આવ્યા બાદ નિયમોનુસાર કસૂરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ પૂરી શક્યતા છે, જેના કારણે જિલ્લા વહીવટી બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો: Aravalli News: દિવાળી પહેલા તંત્ર સક્રિય! ધનસુરામાં ગેરકાયદે ફટાકડાના જથ્થા સાથે બે દુકાનો સીલ