અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા પટેલ છાપરા ગામે વીજ કંપનીના કર્મચારી સાથે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ગામમાં 11 KV ની હાઇવોલ્ટેજ વીજ લાઇનમાં આવેલી ટેકનિકલ ક્ષતિ અંગેની ફરિયાદ દૂર કરવા ગયેલા વીજકર્મી કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં તેમને હાઇવોલ્ટેજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો ભયાનક હતો કે વીજકર્મી થાંભલા પરથી સીધા જ નીચે પટકાયા હતા અને તેમના પગના ભાગેથી કરંટ ફૂટી નીકળ્યો હતો.

ગંભીર હાલતમાં મોડાસા ખસેડાયા 

અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વીજકર્મીને તાત્કાલિક ધોરણે સ્થાનિકો અને સાથી કર્મચારીઓની મદદથી વધુ સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા તેમની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને સારવાર ચાલુ કરી દેવામાં આવી છે.

વીજકર્મીઓની સેફ્ટી અને તંત્રની લાલિયાવાડી પર સવાલો 

નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં વીજકર્મીને કરંટ લાગવાની આ બીજી ઘટના સામે આવી છે. વારંવાર બની રહેલી આવી ગંભીર હોનારતોને પગલે વીજ કંપની દ્વારા કર્મચારીઓને અપાતા સેફ્ટી સાધનો, હેલ્મેટ, ગ્લોવ્ઝ તેમજ લાઇન સટડાઉન (Shutdown) પ્રોટોકોલની સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો