ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા અરવલ્લી જિલ્લામાં નશાના ગેરકાયદે કારોબાર સામે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની સંયુક્ત ટીમે શામળાજી પંથકમાં દરોડો પાડીને ખેતરમાં છૂપી રીતે કરવામાં આવી રહેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. અનાજના પાકની આડમાં ઉગાડવામાં આવેલા ગાંજાના 169 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી પોલીસે અંદાજે ₹43.12 લાખની કિંમતનો 86.25 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.
મકાઈ અને જુવારના ઊભા પાકની વચ્ચે ચાલતું હતું ગાંજાનું વાવેતર
ગુપ્ત બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજીની ટીમોએ બોર્ડર વિસ્તારમાં આવેલા શામળાજીના ગલીસેમરો ગામે ઓચિંતો દરોડો પાડ્યો હતો. સ્થાનિક ખેડૂત અનિલભાઈ મરતાભાઈ ડામોરે કોઈને શંકા ન જાય તે હેતુથી પોતાના ખેતરમાં મકાઈ અને જુવાર જેવા ઊંચા પાકની વચ્ચે ગાંજાના છોડ રોપ્યા હતા.પોલીસે ખેતરના ખૂણે-ખૂણે તપાસ કરતાં મકાઈના પાકની વચ્ચેથી ગાંજાના નાના-મોટા કુલ 169 લીલાછમ છોડ મળી આવ્યા હતા.જપ્ત કરાયેલા આ તમામ છોડનું વજન કરતાં તે 86.250કિલોગ્રામ હોવાનું નોંધાયું હતું, જેની બજાર કિંમત ₹43.12 આંકવામાં આવી છે.
