પ્રકાશના મહાપર્વ દીપાવલી નિમિત્તે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિ અને દિવ્યતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. દિવાળીના શુભ દિને ભગવાન શ્રી શામળિયા શેઠના દર્શનનું સનાતન પરંપરામાં વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ગુજરાત અને રાજસ્થાન સહિત દેશભરમાંથી હજારો-લાખો શ્રદ્ધાળુઓ શામળાજીના દરબારમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા હતા. દિવાળીના આ પાવન અવસરે શામળિયા શેઠને સોના અને હીરા-માણેક જડિત અલૌકિક આભૂષણોથી ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.
₹6 કરોડનો સુવર્ણ મુગટ અને ₹50 લાખની સોનાની મોજડી
દિવાળીના પર્વે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયા શેઠને અંદાજે ₹6 કરોડ ની કિંમતનો કલાત્મક અને અત્યંત વજનદાર સુવર્ણ મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો.પ્રભુના ચરણકમળમાં અંદાજે ₹50 લાખ ની કિંમતની શુદ્ધ સોના અને મીનાકારી વર્ક ધરાવતી ખાસ મોજડી પહેરાવવામાં આવી હતી. મુગટ અને મોજડી ઉપરાંત કાનના કુંડળ, બાજુબંધ, હાર, કંદોરો અને પિતૃવસ્ત્રો સહિત સોના-ચાંદીના પરંપરાગત આભૂષણોથી ભગવાનનું શ્યામ સ્વરૂપ તેજોમય બની ઝળહળી ઊઠ્યું હતું.
