અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા બગોદરા ગામ નજીક નળસરોવર ચોકડી ખાતે અચાનક ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. બગોદરા ચોકડી પરથી પૂરપાટ ઝડપે પસાર થતા હાઈવેના વાહનો અને નળસરોવર તરફથી આવતા-જતા સ્થાનિક વાહનોનું સામસામે રોંગ સાઈડમાં અને આડેધડ આડા પડવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. જોતજોતામાં હાઈવે પર બંને બાજુ 1 કિલોમીટરથી પણ વધુ લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી.

ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને મુસાફરો ફસાયા

આ ભયાનક ટ્રાફિક જામના કારણે દર્દીઓને લઈને જતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સહિત અનેક નાના-મોટા વાહનો, એસ.ટી. બસો અને ખાનગી ગાડીઓ કલાકો સુધી ફસાયેલી રહી હતી. ઈમરજન્સી સેવાની ગાડીઓ પણ જામમાં અટવાઈ પડતાં દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હાઈવે પર અચાનક સર્જાયેલી આ ચક્કાજામની સ્થિતિને પગલે મુસાફરોમાં ભારે અકળામણ અને રોષ જોવા મળ્યો હતો.

Traffic stopped on Ahmedabad-Rajkot highway

નળસરોવર ચોકડી પર તાત્કાલિક ફ્લાયઓવર બ્રિજ બનાવવા માગ

બગોદરાની આ નળસરોવર ચોકડી પર અવારનવાર ટ્રાફિક જામ થવાની અને ગંભીર અકસ્માતો સર્જાવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આથી, વાહનચાલકો, સ્થાનિક રહીશો અને ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે નળસરોવર ચોકડી પર તાત્કાલિક ધોરણે ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવે, જેથી હાઈવે પરનો ટ્રાફિક સુગમ બને અને કાયમી ધોરણે આ વિકટ સમસ્યામાંથી મુક્તિ મળી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો