બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીથી ચકચાર મચી ગઈ છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ડીસાના રીસાલા બજાર વિસ્તારમાં આવેલા શાંતિ એપાર્ટમેન્ટ નીચે સ્થિત સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ નામના ગોડાઉન પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી.આ આકસ્મિક દરોડા દરમિયાન અધિકારીઓની ટીમે ગોડાઉનમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા પેઢીના માલિક વિપુલભાઈ જયંતિલાલ પંચીવાલા હાજર મળ્યા હતા.તેમની પૂછપરછ અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા તેઓ કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ કે સત્તાવાર પરવાના વગર આ પેઢીનું સંચાલન કરતા હોવાનું બહાર આવ્યું હતું. 

બ્રાન્ડના 500 મિલી પેકનો નમૂનો એકત્રિત કર્યો

લાયસન્સ વગર બિનઅધિકૃત રીતે મોટા પાયે ઘીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત સામે આવતા તપાસ ટીમના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ દરમિયાન ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવેલા ઘીની ગુણવત્તા બાબતે અધિકારીઓને પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકા ઉપજી હતી.આથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પર 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006' ના કાયદાકીય પ્રાવધાનો હેઠળ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસ ટીમે ગોડાઉનમાંથી 'હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી' બ્રાન્ડના 500 મિલી પેકનો નમૂનો એકત્રિત કર્યો હતો.

નમૂનાને પૃથક્કરણ અને સઘન લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલાયો

આ એકત્રિત કરવામાં આવેલા નમૂનાને પૃથક્કરણ અને સઘન લેબોરેટરી પરીક્ષણ અર્થે સરકારી ફૂડ એનાલિસ્ટને મોકલી આપવાની તજવીજ કરવામાં આવી છે.નમૂનો લીધા બાદ અધિકારીઓએ સ્થળ પર ઉપલબ્ધ બાકીના જથ્થાની ગણતરી હાથ ધરી હતી. જેમાં આશરે રૂ. 1,22,000 ની અંદાજિત બજાર કિંમત ધરાવતો કુલ 188 લિટર શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને વહીવટી ટીમે તાત્કાલિક અસરથી સ્થળ પર જ સીઝ કરીને જપ્ત કરી લીધો હતો.આ સમગ્ર ગેરરીતિ મામલે જવાબદાર પેઢીના સંચાલક અને માલિક વિપુલભાઈ જયંતિલાલ પંચીવાલા વિરુદ્ધ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006' ના કડક પ્રાવધાનો અનુસાર કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

રિપોર્ટ આવ્યા બાદ આગળના કાયદેસર પગલાં લેવામાં આવશે

સરકારી લેબોરેટરીમાંથી પૃથક્કરણ રિપોર્ટ આવ્યા બાદ આગળના કાયદેસર પગલાં લેવામાં આવશે. સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.અશુદ્ધ કે ભેળસેળયુક્ત ખાદ્યચીજોનું વેચાણ તેમજ સંગ્રહ કરતા વેપારીઓ સામે ઝુંબેશ ચાલુ રહેશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લાયસન્સ વગર વેપાર કરતા કે નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાના હિતમાં આવી આકસ્મિક તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત અને અવિરતપણે ચાલુ રાખવામાં આવશે જેથી પ્રજાના આરોગ્યનું રક્ષણ યોગ્ય રીતે સુનિશ્ચિત થઈ શકે.

આ પણ વાંચોઃ