રાજ્યના અન્ય જિલ્લાઓમાં પૂરજોશમાં મેઘમહેર થઈ રહી છે અને અનેક નદી-નાળાં બે કાંઠે વહી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાં તદ્દન વિપરીત અને ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. જુલાઈ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં અમીરગઢ તાલુકામાં હજુ સુધી જોઈએ તેવો મન મૂકીને વરસાદ વરસ્યો નથી. સમગ્ર રાજ્યમાં વરસાદી આફત વચ્ચે અમીરગઢ પંથકમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે.
ઉપરવાસમાં વરસાદ ન પડતાં બનાસ નદીમાં નવા નીર ન આવ્યા
બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી હજુ પણ સંપૂર્ણપણે કોરી ધાકોર જોવા મળી રહી છે. આ ઉપરાંત તાલુકાના મોટાભાગના સ્થાનિક નદી-નાળાં અને જળાશયો પણ ખાલીખમ છે. બનાસ નદીના મુખ્ય સ્ત્રોત એવા ઉપરવાસ રાજસ્થાન ક્ષેત્રમાં પણ ઓછો વરસાદ નોંધાયો હોવાના કારણે નદીમાં નવા નીરની આવક થઈ શકી નથી, જેના કારણે જળસ્તર તળિયે પહોંચી ગયા છે.
