પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઈભક્તોની અતૂટ આસ્થા સાથે જોડાયેલા આ મહામેળાને સફળ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે વહીવટી અને પોલીસ તંત્ર પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયું છે. આ અંગે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મેળાની વ્યવસ્થા, સુરક્ષા અને યાત્રાળુઓની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

માઈભક્તો માટે તંત્રની ખાસ અપીલ

મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. વિશાળ જનમેદની અને મંદિર પરિસરમાં ભીડ નિયંત્રણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી છે. માઈભક્તોને મંદિર પરિસરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5 મીટર થી નાની લંબાઈની ધજા સાથે જ અંબાજી આવવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત, પદયાત્રીઓના માર્ગો પર આવતા વિવિધ સેવા કેમ્પોમાં પણ શ્રદ્ધાળુઓ માટે પૂરતી સુવિધાઓ અને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે.

Ambaji Bhadarvi Poonam Mela 2026: Administration and Police Ready for Mega Event

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હાઇ-ટેક સર્વેલન્સ

મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, સમગ્ર મેળો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યોજાશે. મહિલા યાત્રિકોની સુરક્ષા માટે વિશેષ SHE Teams સતત કાર્યરત રહેશે. અંબાજી ધામ અને સમગ્ર મેળાના વિસ્તારને સીસીટીવી (CCTV) નેટવર્કથી સજ્જ કરી 24 કલાક ઝીણવટભર્યું સર્વેલન્સ રાખવામાં આવશે.

Ambaji Bhadarvi Poonam Mela 2026: Administration and Police Ready for Mega Event

જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ વધુમાં જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો અને ખિસ્સાકાતરુઓ પર બાજ નજર રાખવા માટે એન્ટી-પીકપોકેટિંગ સ્ક્વોડ, QRT, SOG અને LCB ની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી શકે તે માટે તંત્ર દ્વારા વ્યાપક અને સઘન આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો: Palanpur : અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો, માર્ગો પર 200થી વધુ સેવા કેમ્પ ધમધમશે