ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વરસાદની અછત ધરાવતા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તે માટે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાજ્ઞિક વિપ્ર મંડળના સંયુક્ત ઉપક્રમે અંબાજી ધામમાં ભવ્ય 'નવકુંડાત્મક પર્જન્ય મહાયજ્ઞ'નું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.
9 કુંડોમાં પર્જન્ય સૂક્તની આહુતિઓ અને શાસ્ત્રોક્ત વિધિથી ઈન્દ્રદેવની આરાધના
આ મહાયજ્ઞ દરમિયાન વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વરસાદના દેવ ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ આરાધના કરવામાં આવી હતી. યજ્ઞશાળામાં તૈયાર કરવામાં આવેલા 9 કુંડોમાં પર્જન્ય સૂક્તના પાઠ સાથે પવિત્ર આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર વાતાવરણ વૈદિક મંત્રોના નાદથી અત્યંત ભક્તિમય બની ગયું હતું.

