બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાંથી અકસ્માતની વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અમીરગઢ વિસ્તારની નજીક પુરઝડપે દોડતી કાર અને ગેસ ટેન્કર વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતના પગલે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો.
એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમનસીબ મોત
આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમનસીબ મોત નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતની ભયાનકતા જોઈને સ્થાનિક રહીશોમાં પણ ભારે હ્દયદ્રાવક વાતાવરણ સર્જાયું હતું.
