બનાસકાંઠા જિલ્લાના સરહદી અમીરગઢ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં કાળાં વાદળો ઘેરાયા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખેતરોમાં હાલ મગફળીનો પાક તૈયાર થઈને લણણીના આરે ઉભો છે, ત્યારે જ અચાનક વરસાદી માહોલ સર્જાતાં પાક ધોવાઈ જવાની અને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અમીરગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા
અમીરગઢ તાલુકા મથક ઉપરાંત ઈકબાલગઢ, ચૌહાણગઢ અને સરોત્રા સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં કાળાડીબાગ વાદળો છવાયા છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી છાંટા પણ પડ્યા છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેતરોમાં લણણી માટે તૈયાર રાખેલા મગફળીના પાકને મોટું નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

