બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢ-બનાસ બ્રિજની રિપેરિંગ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. બ્રિજના સમારકામની કથળતી ગુણવત્તા અને તંત્રની લાપરવાહી સામે લાવવા માટે આજુબાજુના ગામોના આશરે 500 જેટલા લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. આ રોષે ભરાયેલા ગ્રામજનોએ ઘટનાસ્થળે જઈને કામ કરી રહેલા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને ઘેરી લીધા હતા અને ત્યાં જ તેમનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અત્યંત હલકી કક્ષા મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે

ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને બ્રિજ પરથી હજારો વાહનો પસાર થાય છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ કામમાં અત્યંત હલકી કક્ષા મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે. કામની ગુણવત્તા અંગે અનેક ગંભીર સવાલો ઉઠાવતા લોકોએ જણાવ્યું કે, જો આ પ્રકારે જ લોટ પાણી ને લાકડા જેવું કામ ચાલશે, તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. સ્થાનિકોએ એન્જિનિયરની હાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે તેમની દેખરેખ હેઠળ આ પ્રકારનું નબળું કામ કેવી રીતે મંજૂર કરવામાં આવી રહ્યું છે.

ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસ કરવામાં આવે

સ્થિતિ તંગ બનતા મામલો વધુ બિચકે તે પહેલા ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે આ સમગ્ર રિપેરિંગ કામની ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. જ્યાં સુધી કામની ગુણવત્તા સુધારવામાં નહીં આવે અને તપાસના આદેશ નહીં અપાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બ્રિજની આ અધૂરી અને ખામીયુક્ત કામગીરી હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો-----   Gujarat Latest News Live : બપોરે એક વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ