બનાસકાંઠામાં વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને એક વિશાળ મહારેલી યોજી હતી. રોષે ભરાયેલા ખેડૂતોએ પાલનપુરના અતિ વ્યસ્ ગણાતા એરોમા સર્કલ પર પહોંચીને નેશનલ હાઈવે વચ્ચે જ ધરણા પર બેસીને ચક્કાજામ કરી દીધો હતો.જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.સરકાર અને તંત્ર સામે લાંબા સમયથી પ્રવર્તતી અવગણના અને પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવવાના રોષ સ્વરૂપે ખેડૂતોએ આક્રમક મૂડ ધારણ કરીને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.આ અચાનક થયેલા ચક્કાજામને કારણે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

વિરોધ નોંધાવવા માટે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારો ખેડૂતોનું મહાઆંદોલન શરૂ થયું છે.આ લડતના ભાગરૂપે જોડના પુરા નજીક ખેડૂતોની એક વિશાળ મહાસભા યોજાયા બાદ જોડના પુરાથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાઈ હતી. જેમાં બનાસકાંઠાના ખૂણે-ખૂણેથી હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરીને પોતાના પ્રશ્નો અંગે બુલંદ અવાજ ઉઠાવ્યો છે. પાણી, પાકના પૂરતા અને પોષણક્ષમ ભાવ તેમજ અન્ય પડતર માંગણીઓના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવવા માટે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.

આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે

ખેડૂત મહાસભામાં બોલતા ખેડૂત નેતા જગમલ આર્યએ મંત્રીઓ સામે ગંભીર આક્ષેપો કરીને રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે.તેમણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પવિત્ર છે પરંતુ તેમની પાછળની સેના અને મંત્રીઓ એસી રૂમમાં બેસીને ખેડૂતોને સતત હેરાન કરી રહ્યા છે અને પૈસા લેવાતા હોવાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.વધુમાં તેમણે મંત્રીઓને ચીમકી આપતા કહ્યું હતું કે "ભગવાનના કેમેરા ચાલુ છે અને જ્યારે 84 લાખ યોનિમાં જશો ત્યારે જ સત્યની ખબર પડશે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Junagadh News: વિસાવદર પાલિકામાં ભાજપ કોંગ્રેસે હાથ મિલાવ્યા, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી