બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં રાજસ્થાનના જોધપુરથી એક મૃતદેહ લઈને અમદાવાદ તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સને અમીરગઢ નજીક અકસ્માત નડ્યો છે. હાઈવે પર આગળ જઈ રહેલા અજાણ્યા વાહનની પાછળ એમ્બ્યુલન્સ ધડાકાભેર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો છે.
પેટ્રોલ પંપ નજીક સર્જાયો અકસ્માત
એક શોકગ્રસ્ત પરિવાર જોધપુરથી મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ જઈ રહ્યો હતો. આ દરમિયાન અમીરગઢ નજીક આવેલા આરાસુરી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે એમ્બ્યુલન્સના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી આગળ ચાલતા અજાણ્યા વાહનની પાછળ જોરદાર રીતે અથડાઈ પડી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સમાં સવાર પરિવારના ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ અંદર રાખેલા મૃતદેહને પણ ક્ષતિ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
