બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. થરા પોલીસે ખારીયા ગામે કપાસના ખેતરમાં છુપાવીને ઉગાડેલા ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. કપાસની આડમાં વાવેતર કરાયેલા આ ખેતરમાંથી ગાંજાના કુલ 64 છોડ મળી આવ્યા છે, જેનું વજન 62.040 કિલોગ્રામ નોંધાયું છે. પોલીસે ગાંજા સહિત કુલ રૂ. 31,07,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ જથ્થો કેવી રીતે તથા ક્યારથી ઉગાડવામાં આવતો હતો તે અંગે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
રાજુ કાળુભા વાઘેલાની ધરપકડ, પૂછપરછ શરૂ
આ ગેરકાયદેસર ગાંજાના વાવેતર મામલે પોલીસે રાજુ કાળુભા વાઘેલા ની અટકાયત કરીને ધરપકડ કરી છે. ખેતરમાં કપાસના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરીને છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ વાવેતર તથા સંભવિત સપ્લાય નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
