બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. માત્ર થોડા જ સમયમાં સાડા ચાર ઈંચથી પણ વધુ અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર થરાદ શહેર પાણી-પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે થરાદ બસ સ્ટેશન વિસ્તાર, મુખ્ય બજારો તેમજ આસપાસની અનેક રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

ગૌમાતા સર્કલથી સિવિલ સુધીનો હાઈવે બંધ

શહેરમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ખાસ કરીને ગૌમાતા સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધીના મુખ્ય હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોની સુરક્ષા માટે હાઈવેની એક તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાની નોબત આવી હતી. હાઈવેનો એક તરફનો રસ્તો બંધ થતાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને સ્થાનિકો તથા વાહનચાલકો ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા હતા.

ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને થરાદના એસડીએમ (SDM) સહિત મ્યુનિસિપલ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો. અધિકારીઓએ બસ સ્ટેશન વિસ્તાર, અસરગ્રસ્ત સોસાયટીઓ અને હાઈવે પરની પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તંત્ર દ્વારા ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે પંપિંગ અને ડ્રેનેજ કામગીરી હાથ ધરવા માટે તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો