બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના સતત વ્યસ્ત રહેતા એરોમા સર્કલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક બેફામ ગતિએ આવી રહેલા ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે, બાઈક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર યુવાનોને સંભાળવાની તક જ ન મળી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોતજોતામાં એરોમા સર્કલ નજીક લોકોના મોટા ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આ અંગે તુરંત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

પોલીસ કાફલો ઘટના સ્થળે

અકસ્માતની માહિતી મળતા જ પાલનપુર પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ, બંને મૃતક યુવકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હોસ્પિટલ પરિસરમાં પણ લોકોના ટોળા એકઠા થયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ ગંભીર અકસ્માત મામલે પાલનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે. મૃતક યુવકો ક્યાંના રહેવાસી હતા અને તેમના પરિવારજનોની ઓળખ મેળવવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એરોમા સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો -