પાલનપુર તાલુકામાં આવેલા દલવાડા ગામમાં લોહીના સંબંધોને લજવતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે. દલવાડા ગામમાં સામાજિક બાબતે બે સગા ભાઈઓ વચ્ચે થયેલી ઉગ્ર તકરારમાં નાના ભાઈએ આવેશમાં આવીને પોતાના જ મોટા ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી છે.
દલવાડામાં સામાજિક બાબતે કૌટુંબિક સંગ્રામ
પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, દલવાડા ખાતે રહેતા રમેશભાઈ પટેલ અને તેમના સગા નાના ભાઈ હીરા પટેલ વચ્ચે કોઈ સામાજિક પ્રશ્ને કે વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં નાનો ભાઈ હીરા પટેલ ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. તેણે પોતાના મોટા ભાઈ રમેશભાઈ પટેલના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર (વોંસી) નો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે રમેશભાઈ પટેલ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.
