બનાસકાંઠાથી આધેડના અપહરણ અને તેમને માર મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટણના દાદર ગામના આધેડ અજમલભાઈ પાનાભાઈ ચૌધરીનું ગત 11 જુલાઈના રોજ 10થી 12 શખ્સોના ટોળા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારો તેમને જાગીરમઠ નામની જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને અપહરણ અને રાયોટિંગ (રમખાણ) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે ઘટનાનું પુનઃનિર્માણ કરાવ્યું

આ ચકચારી કેસમાં બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહરણની ઘટનામાં સંડોવાયેલા મુખ્ય 3 શખ્સોની અટકાયત કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસની ટીમ આ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે સીધા જ ઘટનાસ્થળે લઈ ગઈ હતી. જ્યાં આ ગુનાહિત કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યાં પોલીસે તમામ આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરાવ્યું હતું. 

અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

આ ગુનામાં હજુ પણ 7થી 9 જેટલા શખ્સો ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ ઘટના પાછળનો મુખ્ય હેતુ તેમજ અન્ય ફરાર આરોપીઓ વિશે ચોક્કસ માહિતી મેળવી શકાય. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાયદો હાથમાં લેનારા તમામ અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ બાકીના તમામ ગુનેગારોને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો