વર્ષ 2006માં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બે વ્યક્તિઓની અતિ નિર્મમતાથી હત્યા કરી તેમની લાશને દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ચકચારી કેસમાં આરોપી નયન સોની સામે ગુનો સાબિત થતાં અદાલતે તેને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી.
બનાસકાંઠા પોલીસની નાટ્યાત્મક કામગીરી
આજીવન કેદની સજા ભોગવી રહેલો નયન સોની જેલમાંથી નિયમ મુજબ પેરોલ મેળવીને બહાર આવ્યો હતો. જોકે, પેરોલની મુદત પૂરી થયા બાદ જેલમાં પરત હાજર થવાના બદલે તે ચાલાકીપૂર્વક પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. ફરાર આરોપી નયન સોનીને પકડી પાડવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ (ગ્રાઉન્ડ વર્ક) ના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી નયન સોની ઓળખ છુપાવીને તેલંગાણા રાજ્યના સિદ્દીપેટ જિલ્લાના નંગનુર ખાતે રહી રહ્યો છે.
