બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન આજે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આખરે પૂર્ણ થયું છે. વહેલી સવારે 7:00 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યે પૂર્ણ થઈ હતી. દિવસ દરમિયાન તમામ વોર્ડના મતદાન મથકો પર મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે કુલ મતદાનની ટકાવારી 80% ની પાર પહોંચીને નવો રેકોર્ડ સર્જાયો છે.
80%થી વધુ રેકોર્ડબ્રેક વોટિંગ સાથે મતદાન પૂર્ણ
થરા નગરપાલિકાની કુલ 24 બેઠકો પર ચૂંટણી લડી રહેલા તમામ રાજકીય પક્ષો અને અપક્ષો મળીને કુલ 59 ઉમેદવારોના રાજકીય ભાવી ઈવીએમ (EVM) મશીનમાં કેદ થઈ ચૂક્યા છે. ઊંચા ટકાવારીવાળા આ બમ્પર વોટિંગના કારણે રાજકીય સમીકરણોમાં ભારે ફેરફારો જોવા મળી રહ્યા છે, જેને પગલે પરિણામોને લઈને ચૂંટણી લડી રહેલા તમામ 59 ઉમેદવારો અને તેમના સમર્થકોના ધબકારા વધી ગયા છે.
