બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ચારેકોર પાણી પાણી થઈ ગયું છે. ભારત-પાકિસ્તાન અંંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું નડાબેટનું રણ ભારે વરસાદના કારણે તળાવ કે દરિયામાં ફેરવાઈ ગયું છે. કાયમી ધોરણે સુક્કું ભઠ્ઠ અને ધગધગતું રહેતું આ વાઇટ ડેઝર્ટ/રણ અત્યારે જળમગ્ન બની જતાં અદ્ભુત અને મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

રણમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી

વાવ અને થરાદ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નડાબેટ સરહદી રણ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. રણના વિશાળ પટમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અનરાધાર વરસાદને કારણે રણમાં વિશાળ દરિયો લહેરાતો હોય તેવો નજારો સર્જાયો છે. રણ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને પ્રશાસન પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર

આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને સરહદી વાવ-થરાદ પંથકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. કાળઝાળ ગરમી અને રણની વિષમ પરિસ્થિતિ વચ્ચે નડાબેટના રણમાં ભરાયેલા આ પાણીના દ્રશ્યો કુદરતની અદ્ભુત લીલા સમાન બની રહ્યા છે, જેને જોવા માટે સ્થાનિક લોકોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો