બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક ખાનગી બસમાં બે યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને ઈસમોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.2.30 લાખ રોકડા અને ચોરીના દાગીના મળી કુલ રૂ.4,03,090નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હરિયાણાના રેવાડીમાં ચોરી કરી હોવાની કબૂલાત
અમીરગઢ પોલીસે દાગીના અને રોકડ રકમ અંગે કડક પૂછપરછ કરતા બંને આરોપીઓએ ભાંગી પડીને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કબૂલાત કરી હતી કે આ તમામ મુદ્દામાલ તેમણે હરિયાણા રાજ્યના રેવાડી જિલ્લામાં એક મકાનમાં ઘરફોડ ચોરી કરીને આચર્યો હતો. ચોરી કર્યા બાદ તેઓ આ રકમ અને દાગીના સાથે નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બનાસકાંઠા સરહદે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
