અમદાવાદ ગ્રામ્યના બાવળામાં ભારે વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બાવળાની સંજીવની સોસાયટી સહિત આસપાસની અનેક રહેણાંક સોસાયટીઓ પૂરના પાણીમાં જળબંબાકાર થઈ ગઈ છે. વિસ્તારના આશરે 3000 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ જતાં અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકો માટે ભારે આફત સર્જાઈ છે. ઘરવખરી અને અનાજ પલળી જવાથી રહીશો ચિંતામાં મુકાયા છે અને સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું છે.
છેલ્લા 3 વર્ષથી સ્થિતિ જસની તસ, તંત્ર સામે ભારે રોષ
પોતાની વ્યથા ઠાલવતાં બાવળાના લોકોએ તંત્રના અણઘડ વહીવટ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સંજીવની સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં પાણી ભરાવાની વિકટ સમસ્યા સર્જાય છે. ચોમાસું આવે ત્યારે દર વખતે આ જ પરિસ્થિતિ નિર્માણ પામે છે. પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કે કાયમી કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે દર વર્ષે હજારો લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
