આમોદ તાલુકાના કુરચણ ગામે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને લાપરવાહી સામે ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, કુરચણ ગામ પંચાયતની બરાબર બહાર જ ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને ખુલ્લી ગટરો ખુલ્લેઆમ વહી રહી છે. ગામમાં ઠેરઠેર ફેલાયેલી ગંદકી, ખુલ્લી ગટર અને તેના કારણે મચ્છરોનો અસહ્ય ઉપદ્રવ વધતા નાના બાળકો તેમજ વૃદ્ધો સહિત સમગ્ર ગ્રામજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.
ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર ખાડામાં એકત્રિત
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામની ગટરનું ગંદુ પાણી યોગ્ય નિકાલના અભાવે સીધા જાહેર માર્ગ પર જ એક મોટા ખાડામાં એકત્રિત થઈ રહ્યું છે. આ બંધિયાર ગંદા પાણીના કારણે આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ છે, અને મચ્છરોનો ઉપદ્રવ અસાધારણ રીતે વધી ગયો છે. જેના લીધે રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ગ્રામજનો દ્વારા અગાઉ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.


