ભરૂચમાં આંગન એપાર્ટમેન્ટના પાર્કિંગની જમીન ધસી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં કંપાઉન્ડની દીવાલ તૂટી જવાથી પાર્ક કરેલી 7થી 8 જેટલી ગાડીઓ સીધી નીચે કાંસમાં ખાબકી હતી.કાંસમાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાઈ જતાં ભરૂચનો વ્યસ્ત કસક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ચાર બસ સહિત અનેક નાના-મોટા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે મુખ્ય માર્ગ પર વાહનવ્યવહારને ભારે અસર પહોંચતા માર્ગને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે.ઘટનાની ગંભીરતાને જોઈને નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

ભરૂચ ગાડીઓ

વાહનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ

ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ક્રેનની મદદથી કાંસમાં ફસાયેલા તમામ ફોર-વ્હીલર વાહનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ અને નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. કાંસમાં પડેલા વાહનોને ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અને પાણીના નિકાલ માટેના યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

ભરૂચ વાહનો

જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ

ભરૂચ જિલ્લામાં આજરોજ વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. જેમાં અંકલેશ્વર-હાંસોટ રોડ પર આમલાખાડી ઓવરફ્લો થતાં ડાયવર્જન પર પાણી ફરી વળવાથી વાહનવ્યવહાર બંધ કરી જૂના બ્રિજ પરથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જૂના બ્રિજ પરથી નાના વાહનો પસાર કરાવવામાં આવી રહ્યા છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain: છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, 35 જળાશયો હાઈએલર્ટ પર મૂકાયા