ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા સારંગપુર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ યુવાનોની તબિયત અચાનક બગડતાં તેમાંથી બે યુવાનોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે, જ્યારે ત્રીજા યુવાનની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.
થાક ઉતારવા પેઇન કિલર ગોળીઓનો ઓવરડોઝ લીધાની શંકા
પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવાનોએ શારીરિક થાક ઉતારવાના ઇરાદાથી અતિશય માત્રામાં પેઇન કિલર (દુખાવાની દવાઓ) નો ઓવરડોઝ લીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્ષમતા કરતાં વધુ દવાઓનું સેવન કરવાને કારણે યુવાનોના શરીર પર તેની ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ હતી, જેના લીધે તેમને કાર્ડિયાક અરેસ્ટ (હૃદય બંધ પડી જવું) આવ્યો હોવાનું તબીબી આંકલન કરવામાં આવી રહ્યું છે.
