દક્ષિણ ગુજરાતમાં સુગર ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ‘શ્રી ગણેશ સુગર ફેક્ટરી’ની રૂ.186.48 કરોડની મિલકતોની ઈ-હરાજી માટે નોટિસ પ્રસિદ્ધ થતાં સહકારી ક્ષેત્રે અને ખેડૂતોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, ફેક્ટરીની 46.03 હેક્ટર જમીન, પ્લાન્ટ તેમજ તમામ મશીનરીની ઈ-હરાજી આવામી 18 નવેમ્બરના રોજ યોજવામાં આવશે. આ નોટિસ આવ્યા બાદ ફેક્ટરી વેચાઈ જવાની નોબત આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે ગંભીર આક્ષેપો
આ સમગ્ર મામલે રાજકારણ અને વિવાદ ગરમાયો છે. કોંગ્રેસ આગેવાન અને પૂર્વ ચેરમેન સંદીપ માંગરોળાએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં ચૂંટણી ન કરાવીને સરકારે પોતાના પક્ષના આગેવાનોને કસ્ટોડિયન કમિટીમાં મૂક્યા હતા. આ કમિટીના ખોટા વહીવટના કારણે દર વર્ષે સંસ્થાને રૂ.20થી 25 કરોડનું નુકસાન થયું છે અને ધિરાણના હપ્તા ભરપાઈ ન કરી શકાતાં હરાજીની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ખેડૂત આગેવાન રાજુ વસાવાએ પણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો તાત્કાલિક સુગર ફેક્ટરીની લોકશાહી ઢબે ચૂંટણી કરાવવી જોઈએ.

