ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી પ્રસિદ્ધ પાંડવાઈ સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના જૂથનો ભવ્ય વિજય થયો છે. સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલની 'સહકાર પેનલ' સામે તમામ બેઠકો પર વિરોધી પેનલનો સફાયો થઈ ગયો છે. બાકી રહેલી બેઠકો માટે યોજાયેલી ચૂંટણી બાદ આજરોજ યોજાયેલી મતગણતરી પ્રક્રિયામાં સહકાર પેનલે વિરાટ જીત હાંસલ કરીને પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.
બિનહરીફ થયા બાદ બાકીની બેઠકો પર 90 ટકા મત
પાંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં અગાઉ જ 14 બેઠકો પર ઈશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે બાકી રહેલી 2 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજરોજ હાથ ધરાયેલી મતગણતરીમાં આ 2 બેઠકો પર પણ સહકાર પેનલના ઉમેદવારોને કુલ મતદાનના અંદાજે 90 ટકા જેટલા તોતિંગ મતો મળ્યા હતા. આમ, સુગર ફેક્ટરીની તમામ 16 બેઠકો પર ઈશ્વરસિંહ પટેલની પેનલે ક્લીન સ્વીપ કરી ઐતિહાસિક સત્તા હાસિલ કરી છે.
