ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે એન્ટી નાર્કો વિંગે મોટી સફળતા મેળવી છે. દહેજ નજીકના જોલવા ગામે આવેલી એક કરિયાણા અને ચાની દુકાનની આડમાં ચાલતા નશાના કારોબાર પર દરોડો પાડીને પોલીસે માદક પદાર્થોનો વિશાળ જથ્થો પકડી પાડ્યો છે. એન્ટી નાર્કો વિંગની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી નશાનો કાળો કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

13.4 કિલો ગાંજાની ગોળીઓ સહિતનો મુદ્દામાલ કબજે

પોલીસે જોલવા ગામે 'દેવ નારાયણ ચા ની દુકાન' અને જનરલ સ્ટોર પર દરોડો પાડીને સ્થળ પરથી 13.400 કિલોગ્રામ માદક પદાર્થ (ગાંજાની ગોળીઓ) ઝડપી પાડી હતી. પોલીસે કબ્જે કરેલી આ ગોળીઓની બજાર કિંમત રૂ. 6.70 લાખ આંકવામાં આવી છે. આ સિવાય પોલીસે સ્થળ પરથી મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 6.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.

Anti-narco wing action in Bharuch

રાજસ્થાનના ગોવિંદ રેબારીની અટકાયત

તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા 4 વર્ષથી જોલવા ગામે દુકાન ચલાવતો મૂળ રાજસ્થાનનો ગોવિંદ રેબારી આ નશાકારક ગોળીઓનું વેચાણ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો મૂળ રાજસ્થાનના અને હાલ ભેંસલી ખાતે રહેતા દૂધારામ પાસેથી મેળવવામાં આવ્યો હતો, જેથી પોલીસે દૂધારામને વોન્ટેડ જાહેર કરી આ ડ્રગ્સ નેટવર્કના મુળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો