ભરૂચ જિલ્લા એસઓજી (SOG) ટીમે ડ્રગ્સ દૂષણ વિરુદ્ધ લાલ આંખ કરીને અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે અંકલેશ્વર GIDCમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી 1.045 કિલોગ્રામ ગેરકાયદે ગાંજો અને 12.01 ગ્રામ અત્યંત નશાકારક મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી નશાકારક પદાર્થો સાથે મોહિતકુમાર રાજેશકુમાર પાલ નામના આરોપીની રંગેહાથ ધરપકડ કરી લીધી છે.
SOGએ કુલ રૂ.93,280નો મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસ કાર્યવાહી દરમિયાન ફ્લેટમાંથી જપ્ત કરાયેલા ગાંજા અને એમડી ડ્રગ્સ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂ.93,280નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ આરોપીઓ સામે અંકલેશ્વર GIDC પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
