આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓ વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં શિસ્તભંગ અને ગેરહાજરીના મુદ્દે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. પક્ષની અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં કોઈ પણ પૂર્વમંજૂરી વિના ગેરહાજર રહેનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જિલ્લા નેતૃત્વએ આકરું વલણ અપનાવ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડે કડક કાર્યવાહી કરતાં જંબુસર નગરપાલિકાના 15 સભ્યો અને જંબુસર તાલુકા પંચાયતના 10 સભ્યો સહિત કુલ 25 ચૂંટાયેલા સભ્યોને સત્તાવાર કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારી છે. તમામને 5 દિવસની અંદર લેખિતમાં સંતોષકારક ખુલાસો આપવા સ્પષ્ટ આદેશ કરાતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં યોજાઈ હતી બેઠક

22 ઓક્ટોબરના રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સભાખંડ ખાતે જિલ્લા સંગઠનની અગત્યની અને સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં સંગઠનની કામગીરી, સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવાની હતી.જોકે, જંબુસર નગરપાલિકાના કુલ ૧૬ સભ્યો પૈકી 15 સભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા હતા, જ્યારે જંબુસર તાલુકા પંચાયતના પણ 10 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા નહોતા.આટલી મોટી સંખ્યામાં સામૂહિક ગેરહાજરી સામે આવતાં સંગઠનમાં અંદરોઅંદર જૂથબંધી કે નારાજગી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

5 દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવાનો અલ્ટીમેટમ

જિલ્લા પ્રમુખે તમામ 25 સભ્યોને તાકીદ કરી છે કે મહત્વપૂર્ણ બેઠકમાં ગેરહાજર રહેવા પાછળનું વ્યાજબી કારણ આગામી 5 દિવસમાં લેખિત સ્વરૂપે રજૂ કરવું.જો નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક ખુલાસો નહીં મળે તો પક્ષના સંવિધાન અને શિસ્તભંગના નિયમો અનુસાર કડક સંગઠનાત્મક પગલાં ભરવામાં આવશે.આગામી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સંગઠનમાં કોઈ પણ પ્રકારની શિથિલતા કે બેદરકારી સહન કરવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ દ્વારા આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Chotila: PGVCL નો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; મીટર ઉતારી દંડ ન કરવા માંગી હતી લાંચ