ભરૂચ શહેરમાં આવેલી જૂની આરટીઓ (RTO) કચેરી નજીકથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રસ્તા પર પાર્ક કરેલો એક આઈસર ટેમ્પો ખસેડવા જેવી નજીવી બાબતે બે સ્થાનિક જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં લાકડીઓ, ડાંગો અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા.
મારામારીની ઘટનામાં 6 લોકો થયા ઈજાગ્રસ્ત
આ ધીંગાણા દરમિયાન બંને જૂથોએ એકબીજા પર છુટા હાથે પથ્થરમારો કર્યો હતો તેમજ લાકડીઓ વડે ઘાતક હુમલો કર્યો હતો. આ મારામારીના કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં બંને પક્ષના 3-3 મળીને કુલ 6 લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તમામને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
