ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતા અત્યંત મહત્વકાંક્ષી બ્રિજની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રજાના પરસેવાની કમાણીના 66 કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ ખુલ્લો મુકાયાના માત્ર 100 દિવસના ટૂંકા ગાળામાં જ વિવાદના વમળમાં ફસાયો છે. બ્રિજના દેણવા તરફના છેડે મોટી તિરાડો જોવા મળતા બાંધકામની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. લોકાર્પણના ત્રણ મહિનામાં જ બ્રિજની આવી હાલત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

ભારે વાહનો પર શરૂઆતથી જ પ્રતિબંધ કેમ?

આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, કરોડો રૂપિયાના ખર્ચે નવો નક્કોર બ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં, તેના પર શરૂઆતથી જ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકો અને વિપક્ષ દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, જો 66 કરોડનો બ્રિજ ભારે વાહનોનું ભારણ જ ન ઝીલી શકતો હોય, તો આટલો મોટો ખર્ચ શા માટે કરવામાં આવ્યો? શું તંત્રને પહેલેથી જ બ્રિજની નબળી ગુણવત્તાનો અંદાજ હતો, જેના કારણે ભારે વાહનોને મંજૂરી આપવામાં આવી ન હતી?

કોંગ્રેસના આકરા પ્રહારો અને ભ્રષ્ટાચારના આક્ષેપ

બ્રિજમાં પડેલી તિરાડોને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આ મામલે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગત સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ નેતાઓએ સીધો આરોપ લગાવ્યો છે કે, બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેનું પરિણામ આજે 100 દિવસમાં જ જનતાની સામે આવી ગયું છે.

Bharuch News: Cracks Appear in 66 Crore Jambusar-Amod Bridge Within 100 Days of Inauguration

હાઇકોર્ટમાં PIL કરવાની ચીમકી અને તપાસની માગ

બ્રિજ પરથી પસાર થતા હજારો વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ બ્રિજની તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરાવવાની માંગ કરી છે. વિપક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવશે.

Bharuch News: Cracks Appear in 66 Crore Jambusar-Amod Bridge Within 100 Days of Inauguration

તંત્રના મૌન વચ્ચે સમારકામના નવા ટેન્ડરની ચર્ચા

હાલમાં આ સમગ્ર ઘટનાક્રમ બાદ વહીવટી તંત્રના સત્તાવાર જવાબની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચાઓ તેજ બની છે કે શું સુરક્ષાના કારણોસર આ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે, કે પછી 'થીગડાં' મારવા અને સમારકામ કરવાના નામે ફરી એકવાર નવું ટેન્ડર બહાર પાડીને પ્રજાના પૈસાનો વ્યય કરવામાં આવશે? હાલ તો સૌની નજર તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે.


આ પણ વાંચો: Bharuch News: આમોદમાં કાળ બન્યું બમ્પર! બાઈક પરથી પટકાતા મહિલાનું મોત!