ભરૂચ જિલ્લાના જંબુસરથી રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલો એક કિસ્સો સામે આવ્યો છે. જંબુસર ખાતે આયોજિત ભાજપના એક સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પક્ષના જ એક જવાબદાર પદાધિકારીની લાપરવાહી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કાર્યક્રમ સદસ્યો અને નેતાઓની ઉપસ્થિતિમાં ધમધમી રહ્યો હતો, ત્યારે શહેર પ્રમુખની એક હરકતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે આ મામલો સોશિયલ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચામાં આવ્યો છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું વર્ચ્યુઅલ સંબોધન
મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ નેતાઓને માર્ગદર્શન આપી રહ્યા હતા. પક્ષના મોટા નેતાનું ભાષણ ચાલી રહ્યું હતું અને ગંભીરતાપૂર્વક સૌ કોઈ સાંભળી રહ્યા હતા, ત્યારે જંબુસર ભાજપના શહેર પ્રમુખ મનન પટેલ આ ગંભીરતાથી તદ્દન વિપરીત અલગ જ દુનિયામાં મશગુલ જોવા મળ્યા હતા.
મોબાઈલમાં ગેમ રમતા કેમેરામાં ઝડપાયા મનન પટેલ
પ્રદેશ પ્રમુખ સ્ટેજ પર કે સ્ક્રીન પર ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ પોતાના મોબાઈલ ફોનમાં મન પરોવીને ગેમ રમવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ભાષણોથી કંટાળી ગયા હોય તેમ તેઓ સભામાં ધ્યાન આપવાને બદલે સ્માર્ટફોનમાં ગેમ રમવાની મજા માણી રહ્યા હતા. આ સમગ્ર દ્રશ્ય કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયું હતું, જેનો વીડિયો કે ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પક્ષની ગરિમા અને નેતાઓની જવાબદારી સામે સવાલો
એક તરફ સત્તાધારી પક્ષ દ્વારા શિસ્ત અને સંગઠનની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે જવાબદાર હોદ્દા પર બેઠેલા આગેવાન દ્વારા જ સત્તાવાર કાર્યક્રમ અને પ્રદેશ નેતાના સંબોધન દરમિયાન આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. વિપક્ષીઓ પણ હવે આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે સ્થાનિક રાજકારણમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: Bharuchમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના, સેમિનાર અને એકેડમીની આડમાં ફસાવી વારંવાર દુષ્કર્મનો આક્ષેપ